"સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ"
“સ્વમાન, સ્વાભિમાન, સ્વાવલંબન – સંપન્ન
સમુન્નત, સત્ત્વશીલ, સમાજ” – સંકલ્પ
‘મુક્તિનો એક જ માર્ગ’ – માત્ર “શિક્ષણ”
સમાજ સુસંસ્કૃત અને શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, વિદ્યાર્થીઓ શૈક્ષણિક ઉચ્ચ ધ્યેયો પ્રત્યે અગ્રેસર થાય સાથે સાથે કારકિર્દીનાં અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરે એવા ઉમદા હેતુથી પ્રબોધન, પ્રશિક્ષણ તથા અન્ય શૈક્ષણિક-સાંસ્કૃતિક-સામાજિક કાર્યક્રમોને પ્રાધાન્ય આપવું.
આજથી ૨૫ વર્ષ પહેલાં શૈક્ષણિક હેતુ માટે “સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ” નું રોપવામાં આવેલું નાનકડું બીજ ૨૫ વર્ષનાં સમયગાળા દરમિયાન ટ્રસ્ટનાં અનેક પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, સલાહકારશ્રીઓ તેમજ વેપારીઓ, દાનવીરો, આજીવન સભાસદો અને હિતેચ્છુઓનાં સાથ સહકાર થકી આજે ૨૦૨૧ સુધીમાં એક વટવૃક્ષ બનીને સમાજ સમક્ષ દ્રશ્યમાન છે.
સમાજનાં વિકાસ અને ઉત્કર્ષ માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનાં અને એક સુસંસ્કૃત સમાજ નિર્માણનાં ઉમદા ઉદ્દેશ્યથી તા. ૨૩.૪.૧૯૯૫ ના શુકનવંતા દિવસે સુરત મેઘવાળ સમાજના આગેવાનો શ્રી ગોવિંદભાઈ શાર્દુલભાઈ ડાભી, સ્વ. ખોડાભાઈ બીજલભાઈ બાબરીયા, સ્વ. ખીમજીભાઈ ગોવિંદજી પરમાર, સ્વ. ગોવિંદજી રતનજી સુમરા, સ્વ.પ્રો.મંગળભાઈ જેઠાભાઈ રાઠોડ, શ્રી જેસિંગભાઈ રાજાભાઈ સોસા, શ્રી માધુભાઈ ખોડાભાઈ ભોજ, સ્વ. કાનજીભાઈ વાલજીભાઈ ભોજ, શ્રી રામજીભાઈ જેરામભાઈ ડાભી, સ્વ. માણંદભાઈ જેઠાભાઈ સોસા, સ્વ. લાલજીભાઈ ગોવિંદભાઈ વાઘેલા, સ્વ. વાલજીભાઈ શિવજીભાઇ ભાસ્કર વગેરે સમાજ શ્રેષ્ઠીઓ, બુધ્ધિજીવીઓ, જ્ઞાતિજનોએ સોરઠીયા માળી પંચની વાડી, મજુરાગેટ, સુરત ખાતે “મેઘવાળ સમાજના લોકો માટે, લોકોની, લોકો વડે” સમાજની એક શૈક્ષણિક સંસ્થા અંગે મનોમંથન કર્યું જેમાં સમાજ અગ્રણી શ્રી ગોવિંદભાઈ શાર્દુલભાઈ ડાભીએ રૂ.1,25,000/- (રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર) નું દાન જાહેર કર્યું અને “સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ” નામની સમાજની શૈક્ષણિક સંસ્થાનું બીજ રોપ્યું.
ટ્રસ્ટને વિધિવત્ સ્વરૂપ આપવા શ્રી જેસિંગભાઈ સોસાના કન્વીનર પદે સ્વ. ખીમજીભાઈ પરમાર, સ્વ.પ્રો.મંગળભાઈ રાઠોડ, શ્રી માવજીભાઈ પડાયા, સ્વ. કાનજીભાઈ ભોજ અને શ્રી વિનોદભાઈ રેવર સમાવિષ્ટ સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. બંધારણ તૈયાર કરી સભ્ય નોંધણી શરુ કરી ટ્રસ્ટને વ્યવસ્થિત રૂપ આપી “સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ”ની શરૂઆત થઇ. શૈક્ષણિક ક્ષેત્રે દર વર્ષે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા અને ત્યારબાદ “સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ” રજી.નં. ઈ-૪૩૮૫ તા. ૧૭.૭.૧૯૯૯ થી નોંધણી કરવામાં આવી અને સમાજની એક વિધિવત્ શૈક્ષણિક સંસ્થાનું સર્જન થયું.
ટ્રસ્ટની આર્થિક સ્થિતિ સધ્ધર બનાવવા સમાજમાંથી પ્રસંગોપાત લોકફાળો મળતો રહ્યો છે. ટ્રસ્ટનાં આજીવન સભ્યોમાં નિરંતર વધારો થતો રહ્યો છે અને આજે ૨૦૨૧ દરમિયાન આજીવન સભ્યોની સંખ્યા ૨૩૦૦ થી વધુ થવા પામી છે. ટ્રસ્ટનાં ઉદ્દેશો પાર પાડવા દર વર્ષે અનેક શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે અને સૌ સમાજબંધુઓ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય માટે ઉત્તરોત્તર પ્રતિબધ્ધતાથી પ્રગતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે.